Thursday, May 3, 2012

ગુજરાત બહાર વિસ્તરતી સ્થાનિક IT કંપનીઓ.. [ IT companies developing outside Gujarat ]

 IT companies developing outside Gujarat


ભારતની ટેક્નોલોજી કંપનીઓ અન્ય રાજ્યોનાં પ્રથમ શ્રેણીનાં શહેરોમાં ડેવલપમેન્ટ કેન્દ્રો સ્થાપીને વિસ્તરણ કરી રહી છે .

નાના ગ્રાહકો અને ઓછાં મૂલ્યોના એપ્લિકેશન્સને છોડીને તેઓ વધુ મોટા ગ્રાહકો મેળવવા માટે સક્રિય છે જેમાં તેમને વધુ માર્જિન મળે છે તથા વૈશ્વિક હાજરી નોંધાવી શકાય છે . કંપનીઓનું કહેવું છે કે મોટાં શહેરોમાં કેન્દ્રો સ્થાપીને મોટા પ્રોજેક્ટ માટે વધુ કુશળ વ્યાવસાયિકોની ભરતી કરી શકાય છે .

અમદાવાદ સ્થિત ઇન્ફોસ્ટ્રેચે તાજેતરમાં પૂણેમાં એન્ટરપ્રાઇઝ ક્લાસ મોબાઇલ અને ક્વોલિટી એસ્યોરન્સ સોલ્યુશન્સ માટે ટેક્નોલોજી ડેવલપમેન્ટ અને ટેસ્ટ સેન્ટર શરૂ કર્યું હતું . કંપની સેલફોન , ઓટોમેશન અને સર્ટિફિકેશન માટે ક્લાઉડ આધારિત રિમોટ ટેસ્ટિંગમાં સક્રિય છે .

કંપનીના ડિરેક્ટર ( એન્ટરપ્રાઇઝ મોબિલિટી ) અશોક કારણિયાએ જણાવ્યું હતું કે કંપનીએ ગુજરાતમાં વૃદ્ધિ કરી છે અને ઉચ્ચ મૂલ્યના પ્રોજેક્ટ માટે ગુજરાત બહાર કેન્દ્રોની જરૂર છે . કંપની અમદાવાદ ખાતે તેનાં બે કેન્દ્રોમાં 250 કર્મચારી ધરાવે છે .

કારણિયાએ કહ્યું હતું કે , બહુ ઓછા પ્રતિભાશાળી અને અનુભવી વ્યાવસાયિકો અમદાવાદ આવવા તૈયાર છે . અમારે મોટા પ્રમાણમાં લોકો સુધી પહોંચવું હોય તો પ્રથમ શ્રેણીનાં શહેરોમાં જ જવું પડશે . અમારે એક સપ્તાહમાં એક ડઝન લોકોની જરૂર હોય તો તે મોટાં શહેરોમાં મળી શકશે .

નેશનલ એસોસિયેશન ઓફ સોફ્ટવેર કંપનીઝ ( નાસકોમ ) અને કન્સલ્ટન્સી કંપની એ ટી કર્નીએ નક્કી કરેલાં ધોરણો પ્રમાણે બેંગલોર , હૈદરાબાદ , ચેન્નાઈ , મુંબઈ , એનસીઆર અને કોલકાતા પ્રથમ શ્રેણીનાં આઇટી શહેરો છે .

સિક્યોરિટી સોલ્યુશન્સ કંપની એલિટકોરે ગયા વર્ષે એન્ટરપ્રાઇઝ ક્લાસ ઓફરિંગ માટે બેંગલોરમાં કેન્દ્ર સ્થાપ્યું હતું . કંપનીના સીઇઓ હેમલ પટેલ માને છે કે મોટા આઇટી શહેરો કુશળ માનવબળ પૂરું પાડી શકે છે . પટેલે કહ્યું હતું કે , નાનાં અને મોટાં કેન્દ્રોમાં એટ્રિશનનું પ્રમાણ ઊંચું છે , પરંતુ બેંગલોર જેવા શહેરોમાં ભરતીની સમસ્યા નથી .

વડોદરા સ્થિત વીબી સોફ્ટ પણ વિસ્તરણ માટે બેંગલોર , મુંબઈ અને ગુડગાંવ પર નજર દોડાવી રહી છે . તેણે રિટેલ અને ઇ - ગવર્નન્સ જેવા સેક્ટર માટે ' સ્માર્ટસર્વ ' પ્રોડક્ટ વિકસાવ્યું છે .

કંપનીના ડિરેક્ટર વિવેક ઓગ્રાએ જણાવ્યું હતું કે મોટા ભાગના ક્લાયન્ટનાં વડાંમથકો મોટાં શહેરોમાં છે તેથી આ શહેરોમાં સેટેલાઇટ કેન્દ્ર રાખવા યોગ્ય છે . અમદાવાદની ઘણી કંપનીઓ ઘણું સારું કામ કરે છે , પરંતુ તેમના ગ્રાહકો બીજી જગ્યાએ આવેલા છે તેથી ત્યાં ઓફિસ સ્થાપવામાં આવે તે તાર્કિક પગલું છે .

No comments: